GPSSB દ્વારા આજે લેવાનાર જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) ની પરીક્ષા મોકૂફ : ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આજે લેવાનાર જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હજારો ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે પરીક્ષા સ્થળ પર જવા માટે રવાના થયા હતા, અલબત ઘણાં બધાં ઉમેદવારો તો પોતાના રહેઠાણના સ્થળથી અન્ય જિલ્લામાં બહુ દૂર પરીક્ષા કેન્દ્ર આવેલ હોય તેઓ તો આગળ દિવસે જ પરીક્ષા કેન્દ્ર પર જવા રવાના થયેલ હતાં.આ પરીક્ષામાં 9 લાખથી પણ વધારી ઉમેદવારો પરીક્ષા આપવાના હતાં.
ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેટમેન્ટની વિગતે જોઈએ તો આજે તા.29/01/2023 નાં રોજ વહેલી સવારે પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ માહિતી બાતમીનાં આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ટ પૂછપરછ કરતાં તેની પાસેથી આજે લેવાનાર જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)ની પરીક્ષાનાં પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી અને આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ પરીક્ષા આજે તા.29/01/2023 (રવિવાર) નાં રોજ સવારે 11-00 થી 12-00 કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળની વેબસાઇટ પર આ પરીક્ષા મોકૂફ રાખવા અંગેની માહિતી મૂકવામાં આવી છે.
આજે લેવાનાર પરીક્ષા રદ્દ થતાં સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે યોજવામાં આવશે અને તેની તારીખ મંડળ દ્વારા બહુ જલ્દી જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ રહેઠાણના સ્થળે પહોંચવા વિનામૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી કરી શકશે.
ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આજે લેવાનાર જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ વધુ એક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવે ઉમેદવારો પરીક્ષા સ્થળ પરથી પોતાના મૂળ રહેણાંક સુધી પહોંચવા માટે ગુજરાત એસ.ટી. બસમાં વિનમૂલ્યે પ્રવાસ કરી શકશે. તેનાં માટે ઉમેદવારો પાસે હોલટીકીટ, કોલલેટર અને અસલ ફોટો ઓળખપત્ર સાથે રાખવાનો રહેશે. આ જાહેરાત મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
જો કે મંડળ દ્વારા વિનામૂલ્યે એસ.ટી. મુસાફરી કરવાની જાહેરાત થાય તે પહેલાં જ ઘણા બધાં ઉમેદવારો ટીકીટ કાઢવી પોતાના રહેણાંકનાં સ્થળે જવા રવાના થી ગયા હતાં , તો કેટલાક ખાનગી વાહનમાં આવેલ હતાં અને પરત જવા રવાના થઈ ગયા હતાં. જેથી તેઓને ખર્ચ ભોગવવાનો વારો આવ્યો હતો.