ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં મહેસુલી અધિકારીની સહીના બદલે હવે eSign નો થશે અમલ : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા તા.20/01/2023 ના રોજ પરિપત્ર જાહેર કરી કોમ્પ્યુટરાઈઝ્ડ જનરેટ થતાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં e-Sign અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે.
સરકારનાં મહેસુલ વિભાગનાં તા.31/07/2020 નાં પરિપત્ર નં.ગણત/102020/42/ઝ સાથે સામેલ પરિશિષ્ટ-6 (અરજી દફતરે કરવાનો પત્ર) તથા પરિશિષ્ટ-7 (ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર) હાલની પ્રવર્તમાન જોગવાઈ મુજબ જનરેટ થયા પછી તેમાં જે-તે અધિકારીની ફિઝીકલી સહી મેળવ્યા બાદ પુનઃ અપલોડ કરવી અથવા ટપાલ મારફતે મોકલવાની પદ્ધતિનાં બદલે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગનાં તા.06/09/2021 નાં ઠરાવ મુજબ “Electronic Signature (e-Sign)” નો ઉપયોગ કરીને જ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર/અરજી દફતરે કરવાનો પત્ર ઈ-મેઈલથી મોકલી આપવાની તેમજ iORA પરથી તેની નકલ અરજદાર પોતાનો અરજી નંબર દાખલ કરી અરજદાર પોતે જ ડાઉનલોડ કરી મેળવી શકે તેવી નવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સદરહુ વ્યવસ્થાનો અમલ તા.23/01 /2023 ને સોમવારથી થશે. મહેસુલ વિભાગના તા.26/02/2008 નાં પરિપત્ર અનુસાર જ્યારે રાજ્યના કોઈ ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી હોય ત્યારે તથા ગુજરાત રાજ્યમાં એક જગ્યાએ જમીન વેચી બીજી જગ્યાએ જમીન ખરીદવાની હોય ત્યારે તેવાં સંજોગોમાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાનું અનિવાર્ય થઈ પડે છે.
અગાઉ જ્યારે કોઈ ખેડૂત દ્વારા અન્ય તાલુકામાં જમીનની ખરીદી કરવામાં આવતી ત્યારે ખેડૂતે પોતે જે તાલુકામાં જમીન ધારણ કરતાં હોય તે જમીનનાં 7/12, 8-અ તથા ગામ નમૂના નં.6 હક્કપત્રકનો સેટ બે નકલમાં વેચાણ નોંધ સાથે રજૂ કરવાનાં થતાં હતાં અને ત્યારબાદ તે મામલતદાર કચેરી દ્વારા ખેડૂત જમીન ધરાવતા હોય તે તાલુકાનાં મામલતદારને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે પ્રકરણ મોકલવામાં આવતું હતું. ત્યારબાદ મહેસુલ વિભાગના તા.31/07/2020 ના પરિપત્રથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યપદ્ધતિ ઓનલાઈન કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમાં ઉતરોતર સુધારા વધારા કરવામાં આવેલ છે. અને આમ લોકોને સરળતા થી વિવિધ સેવાઓ મળી રહે તથા સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સેવાઓનું ડિજિટલાઈઝેશન કરવામાં આવેલ છે.