What is Vighoti? | વિઘોટી એટલે શું? |
- આપ સૌ જાણતા જ હશો કે, એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો. સમય જતાં પરિવર્તન આવ્યું અને જમીન મહેસુલ સિવાય પણ બીજા અનેક વેરા અસ્તિત્વમાં આવ્યા.
- સમયાંન્તરે ખેડૂત આંદોલન પણ થાય અને આઝાદી પછી તો ખેડૂતોનાં લાભ માટેની અનેક સરકારી યોજનાઓ અમલમાં આવી. મોંઘવારી વધવા છતાં મહેસુલમાં કોઈ વધારો ન થયો, કારણ કે સરકાર હવે ખેડૂતો પાસેથી લેવાના બદલે ખેડૂતોને આપવા માંગતી હતી. આથી મહેસુલ દર સ્થિર રહ્યો.
- આપણે ગુજરાતમાં તા.૨૫/૦૯/૧૯૯૭ નાં પરિપત્રથી તા.૦૧/૦૮/૧૯૯૭ થી વસુલ કરવા પાત્ર ફક્ત ખેતીની જમીન પરનું જમીન મહેસુલ માફ કરી દેવામાં આવેલ છે.
ખેતીની જમીનનું જમીન મહેસુલ માફ કરવા બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
- આઝાદી પછી જ્યારે સરવે સેટલમેન્ટ થયું તે સમયે જમીનનો આકાર નક્કી થયેલો છે અને આ આકાર પર નિયત દરે લોકલ ફંડનો વેરો પણ લેવામાં આવે છે. જે જિલ્લા પંચાયતની આવકમાં જાય છે.
- આમ, જમીન પર લેવામાં આવતો આકાર તથા લોકલ ફંડ બંને મળીને કુલ જમીન મહેસુલ બને છે. જેને ગ્રામ્ય વિસ્તારમાં લોકો “વિઘોટી” તરીકે ઓળખે છે.
- આમ, “જમીન પર લેવામાં આવતું જમીન મહેસુલ એટલે જ વિઘોટી.”
- દર વીઘે આકારાતું કે ભરવાનું મહેસૂલ એટલે વિઘોટી.
- જમીન મહેસુલ ભરવાની પ્રાથમિક જવાબદારી જમીન ધારણ કરનારની છે.
અહીં શ્રી રમેશ ઠક્કર, લેખક,કવિ તથા એડી.કલેકટર, મહિસાગરનો મહેસુલી શબ્દોનું વર્ણન કરતો રસપ્રદ લેખ રજૂ કરીએ છીએ, જે તમને વાંચવાની મજા આવશે .
“વિઘોટી” શબ્દ.. મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ
એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો. મહેસૂલ માટે અમારા વિસ્તારમાં “વિઘોટી” શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ…મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે. અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે. મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે. સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે. એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે. આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે.
મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે. રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા. રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ. પાણીપત્રક એ પ્હાણીપત્રક છે.. પ્હાણી એટલે પાક અથવા ક્રોપ. એના વિવરણને તુલવારી કહેવાય છે. જમીનનું જે ભાડું હોય એને ગણોત કહેવાય એને ચૂકવનાર એ ગણોતિયો. જમીનનું રેકર્ડ દુરસ્ત કરવા માટે જે પત્રક હોય છે એનું નામ કમીજાસ્તી પત્રક. આ બધા શબ્દો જે તે શાસનપ્રણાલી સાથે આવેલા છે અને આજેપણ અડીખમ છે. બે હકકવાળી જમીનને દુમાલા કહેવાય…જમીનનો ભોગવટો જુની શરત અને નવી શરત એવા શબ્દોમાં વ્યકત થાય છે. રેવન્યૂ રાહે નિકાલ એ એવો શબ્દ છે જેની અર્થછાયા પકડવી મુશ્કેલ છે.
આપણા સુપ્રસિદ્ધ લેખક ર.વ.દેસાઇ ગાયકવાડી રાજયમાં મહેસૂલી અધિકારી હતા જે સૂબાસાહેબ કહેવાય. આજે આપણે એને પ્રાંત અધિકારી કહીએ છીએ. કલેક્ટર લાટ સાહેબ કહેવાતા. મામલતદારો ભાઇસાહેબ. મામલતદાર એટલે મામલો ઉકેલનાર ! જે અરેબિક શબ્દ MUAMLA ઉપરથી આવ્યો છે. શિરસ્તેદાર,અવલ કારકૂન કે દફેદાર જેવાં પદો આજે નવાઇપ્રેરક લાગે. પણ એમનો દબદબો હતો.તલાટી શબ્દ પણ ગુજરાતી નથી..એની કચેરીને ચાવડી કહેવાય એ કદાચ મરાઠી શબ્દ છે. એક જમાનામાં નાનકડા તાલુકા હતા જે ‘મહાલ’ કહેવાતા અને એના અધિકારી એટલે મહાલકારી. રેવન્યૂ કચેરી એટલે દફતર.”દસાડા દફતરમાં જ નથી” એવી લોકોકિત પ્રચલિત છે. પન્નાલાલ પટેલની એક સરસ વાર્તા છે “ઘડાતો તલાટી” જેમાં વહીવટી જગત અને માનવસંવેદનાનું ગજબ નિરૂપણ છે.
શ્રી રમેશ ઠક્કર – લેખક, કવિ તથા એડી. કલેકટરની ફેસબુક પોસ્ટ પર જવા અહીં ક્લિક કરો.
નદીના કાંઠા ઉપર જે જમીન ખુલ્લી થાય એને ભાઠાની જમીન કહેવાય. સૌથી ફળદ્રુપ જમીન એટલે કયારીની જમીન એ પછી આવે બાગાયત અને સરેરાશ જમીનનું મહેસૂલી નામ છે જરાયત. ખેડૂત જે લોન લે એને તગાવી કહેવાય. પાણીના વેરા ને પિયાવો કહેવાય. આ બધા શબ્દો એ પ્રચલિત ભાષાશાસ્ત્રથી અલગ છે. દરેક ખેતર એક સર્વે નંબર હોય છે જે સામાન્ય રીતે સળંગ ક્રમમાં હોય. કયાંક ક્રમ તૂટે તો અલગ નંબર પડે જેને “ઉડાફા નંબર ” કહેવાય. જમીનના ટેસ્ટને નિમતાણો કહેવાય. મહેસૂલી અધિકારીના પ્રવાસને ફેરણી કહેવાય. જમીન મૂલ્યાંકનને મોજણી કહેવાય. બાકી વેરાની નોંધ એટલે આકારણી. ફોડવારી પણ હોય.
મહેસૂલી જગત અનેક શાસકોના પ્રભાવ હેઠળ વિકસ્યું છે. સત્તા નિયમો કાયદાઓ અને અનેકવિધ કામગીરી એ એની વિશેષતા છે. એમાં અરબી ફારસી મરાઠી પોર્ટુગીઝ અંગ્રેજી જેવી ભાષાઓની મહેંક છે. પરંપરાઓ છે. મજકુર, ઇસમ, તકરાર , બખેડો, જેવા શબ્દો હજુ પણ વપરાય છે. આવા શબ્દોની એક યાદી સી.એમ.જોશી નામના નિવૃત્ત આઇ.એ.એસ.અધિકારીશ્રીએ તૈયાર કરેલી છે જે અત્યંત રસપ્રદ છે. કુલીનચંદ્ર યાજ્ઞિક “વહીવટ ની વાતો” નામે પુસ્તકોમાં સરસ અનુભવો આલેખે છે. લલિત દલાલ જે ગુજરાતના મુખ્ય સચિવ હતા એ આઇ.સી.એસ અમલદારોની છેલ્લી કડી સમાન હતા. એમણે “સનદી સેવાનાં સંભારણાં ” એ નામે સાહિત્યિક મૂલ્ય ધરાવતું પુસ્તક લખ્યું છે. પી.કે.લહેરી સાહેબ વૈવિધ્યસભર લેખો લખે છે એ પણ નિવૃત આઇ એ.એસ.અધિકારી છે.
વી.આર.ઐસ કૌલગીને સાંભળવા એ લ્હાવો ગણાય. કોહેલ્લો નામના કલેકટર હતા જેમને પદ્મશ્રી મળેલો. જાહેરસેવક માટે આ અપવાદરૂપ ઘટના છે. કોઠાસુઝ, હૈયાઉકલત અને ત્વરિત નિકાલ એ મહેસૂલી અધિકારી માટેનાં આવશ્યક લક્ષણો છે. મોરારજી દેસાઈ પણ રેવન્યૂ ઓફિસર હતા. ક.મા.મુનશીના પિતાશ્રી પણ મામલતદાર હતા. એમના વડવાઓ એટલે કે “ટેકરાના મુનશીઓ” મોટેભાગે મહેસૂલી અધિકારીઓ જ હતા. મુનશી એટલે જ સફળ લેખકની સાથેસાથે એટલા જ સફળ વહીવટદાર પણ હતા. મહેસૂલી અધિકારીઓને વ્યાપક અનુભવો, જાણકારી, અજાણ્યા પ્રદેશો, પડકારો અને આકસ્મિકતાઓ વચ્ચે રસ્તો કાઢવો પડતો હોય છે એમાં જો શબ્દ ની છટા ભળી જાય તો અવનવા અનુભવોથી વાચક ન્યાલ થઈ જતો હોય છે.
-શ્રી રમેશ ઠક્કર-લેખક, કવિ તથા એડી. કલેક્ટર, મહીસાગર
આભારસહ શ્રી રમેશ ઠક્કર ની ફેસબુક વૉલ પરથી ..